Saturday, December 03, 2016

દિવસો જુદાઈ ના જાય છે..

આજે ફરી કેટલાય વખત પછી ફરી વાર ગુજરાતી ગીતો, ગઝલો સંભાળવાનું મન થયું અને આ સૌથી પહેલા સાંભળવાનું યાદ આવ્યું. કવિઓ એ કેટલું સુંદર લખ્યું છે અને શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયે શું સરસ ગાયું છે. તેમાં પણ વચ્ચે "નયણા મત વારસો" સાંકળી લઇને શું મહેફિલ જમાવી છે.. વાહ! દિલ ખુશ થયી ગયું. તદ્ ઉપરાંત આ ભાષા સમજી શકવાનો અને સંગીતની કદર હોવાનો આનંદ અને તે માટે ઉપકાર જ માનવો રહ્યો.


દિવસો જુદાઈ ના જાય છે, એ જશે જરૂર મિલન સુધી
મારો હાથ ઝાલી ને લઇ જશે, મુજ શત્રુઓ જ સ્વજન સુધી
મારો હાથ ઝાલી ને લઇ જશે

ન ધારા સુધી ન ગગન સુધી, નહિ ઉન્નતિ ના પતન સુધી (૨)
ફક્ત આપણે તો જવું હતું, અરે એક મેક ના મન સુધી
મારો હાથ ઝાલી ને લઇ જશે

તમે રાંક ના છો રતન સમા, ન મળો હે આંસુઓ ધૂળ માં (૨)
જો અરજ કબૂલ હો આટલી, તો હૃદય થી જાઓ નયન સુધી
મારો હાથ ઝાલી ને લઇ જશે

તમે રાજરાણી ના ચીર સમ, અમે રંક નાર ની ચૂંદડી (૨)
તમે તન પે રહો ઘડી બે ઘડી, અમે સાથ દઈએ કફન સુધી
મારો હાથ ઝાલી ને લઇ જશે

જો હૃદય ની આગ વધી 'ગની', તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી (૨)
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાયે અગન સુધી
મારો હાથ ઝાલી ને લઇ જશે, મુજ શત્રુઓ જ સ્વજન સુધી
મારો હાથ ઝાલી ને લઇ જશે...