જીજાજીએ આજે એક સરસ લેખ મોકલ્યો અને વાંચવાની ખૂબ મજા આવી ગયી, થયું આ તો બ્લોગ કરવા જેવો લેખ છે. ફરી ને ફરી વાંચવાનું મન થાય એવો આ લેખ ફરી ને ફરી વાંચી શકાય એટલે...
લેખ જીજાજીના મિત્રએ લખેલ છે અને તેમાં તેમણે થોડો ફેરફાર કરી ને મોકલેલ છે.
લેખ જીજાજીના મિત્રએ લખેલ છે અને તેમાં તેમણે થોડો ફેરફાર કરી ને મોકલેલ છે.
દુનિયામાં બે કામ સૌથી અઘરાં છે. માફી માગવી અને માફી આપવી. પોતાના ઈગોને માણસ કેટલો ઓગાળી શકે છે તેના ઉપર સંબંધોનો આધાર રહે છે. ઘણી વખત આપણે અભિમાનને સ્વાભિમાન ગણી લેતા હોઈએ છીએ.
'વજન' નો અનુભવ ન કરાવે તેનું નામ સ્વજન. હળવાશ એ સંબંધની સૌથી મોટી લાક્ષણિકતા છે. જ્યાં ભાર હોય છે ત્યાં સ્વીકાર હોતો નથી. લાદી દીધેલું વેંઢારવું પડતું હોય છે. જે સહજ હોય એનો ભાર લાગતો નથી. માણસ 'ભાર' લઈને ફરે છે અને બીજા પર લાદતા પણ રહે છે.
દરેક માર્ગને વળાંક હોય છે. સંબંધમાં પણ ઉતાર અને ચઢાવ હોય છે. હાથની કોઈ રેખા સીધી હોતી નથી તો પછી જિંદગી કાયમ કેવી રીતે એકસરખી ચાલવાની છે? દુનિયામાં કંઈ જ સ્થિર નથી. સૂરજ ઊગે છે અને આથમે છે, દરિયામાં પણ ભરતી અને ઓટ છે. ગ્રહો પણ એની ચાલ બદલતા રહે છે, ફૂલ ખીલે છે અને કરમાય છે. મેઘધનુષ કાયમ રહેતું નથી, તો પછી સંબંધ કેમ એકસરખા રહે?
આપણી ઇચ્છા મુજબ કોઈ કંઈ ન કરે ત્યારે આપણે એને ભૂલ ગણી લઈએ છીએ. આપણે આપણી વ્યક્તિને ભૂલ કરવાનો અધિકાર આપીએ છીએ? પ્રેમની સૌથી મોટી પરખ ત્યારે થાય છે કે આપણે કોઈને કેટલા ઝડપથી માફ કરીએ છીએ. માફ કરવામાં મોડું કરવું એ પણ એક જાતનો અન્યાય જ છે. ભમરો મધ ચૂસી જાય ત્યારે ફૂલ ફરિયાદ કરતું હશે? નદી દરિયાને મળે અને ખારી થઈ જાય ત્યારે નદી બળાપો ઠાલવતી હશે?
જેને 'સ્વ'નું ભાન છે એ જ ખરો સ્વાભિમાની છે. આપણે આપણી ફરતે એક કુંડાળું દોરી લઈએ છીએ અને પછી એને જ આખી દુનિયા માની લેતા હોઈએ છીએ. તેની બહાર કોઈ જાય એને આપણોવિરોધી કે દુશ્મન સમજી લઈએ છીએ. દુનિયામાં સૌથી મોટું પાપ કોઈના મન અને મગજ પર કબજો કરવાનું છે. મને પૂછયા વગર કંઈ જ કરવાનું નથી,એવું ઇચ્છતી વ્યક્તિ જ પોતાના નજીકના લોકોને મર્યાદા વટાવવા માટે મજબૂર કરતી હોય છે.
ઘણા લોકો તો એવા હોય છે જેની પાસે માફી માંગતા પણ ડર લાગે. જ્યાં 'ભાવ'નો અભાવ હોય ત્યાં અણબનાવની શક્યતા સૌથી વધુ હોય છે. જ્યાં 'ભાવ'નો સ્વભાવ હોય છે ત્યાં જ અહોભાવ હોય છે.
એક માણસ મરણપથારીએ હતો. તેને સમજાઈ ગયું કે જિંદગીનો અંત હવે નજીક છે. એને વિચાર આવ્યો કે કોઈ કામ બાકી રહી જતું નથી ને? બહુ વિચાર કર્યા પછી તેને યાદ આવ્યું કે ઘણા લોકોનાં દિલ દુભાવાઈ ગયાં છે. જતાં પહેલાં એની માફી માંગી લઉં.
એક પછી એક બધાને બોલાવીને માફી માગવાનું શરૂ કર્યું. સૌથી છેલ્લે યાદ આવી એ દીકરી જેણે ભાગીને લગ્ન કરી લીધાં હતાં. દિલના ટુકડા જેવી દીકરીને વર્ષોથી જોઈ ન હતી. અંતે પત્નીને કહ્યું કે એને બોલાવી દે. દીકરીને બોલાવી. દીકરીની દીકરી પણ સાથે હતી. હોસ્પિટલના રૂમમાં સૌથી પહેલી પૌત્રી દાખલ થઈ. નજીક આવીને કહ્યું કે, દાદા, મારો શું વાંક હતો? પહેલી વખત એ માણસ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયો અને નાનકડી પૌત્રીને કહ્યું કે દીકરા, તારો કંઈ વાંક ન હતો, કદાચ વાંક મારો જ હતો. આપણો વાંક દેખાતો નથી હોતો ત્યારે આપણે બીજા લોકોનો વાંક કાઢતા હોઈએ છીએ.દીકરીએ નજીક આવી પિતાના માથા પર હાથ મૂક્યો. પિતાએ કહ્યું કે, એક વાર તો મને કહી જોયું હોત. દીકરી એટલું જ બોલી કે ડર લાગતો હતો પાપા, આજે છે એટલી હળવાશ ત્યારે ક્યાં હતી? ઘરેથી નીકળી ત્યારે તમારી તસવીર લેતી ગઈ હતી. દરરોજ તમારો ફોટો જોઈને માથે હાથ ફેરવ્યો છે અને મનોમન બોલ્યું છે કે લવ યુ પાપા. રોજ આંખો ભરાઈ આવતી, આજે પણ આંખો ભરાયેલી છે, જોકે તેમાં અભાવ નથી,પણ આભાર છે. પિતાએ કહ્યું કે હવે કોઈ ભાર નથી, હવે કોઈ અભાવ નથી, અને હવે કોઈ અફસોસ નથી.
પોતાના લોકોને માફ કરવામાં ક્યારેય એટલો વિલંબ ન કરો કે બહુ મોડું થઈ જાય. 'મોડા'ની કોઈ મર્યાદા નથી હોતી, મોડું કદાચ આવતીકાલે પણ થઈ જાય, આજે તમે કોઈને માફ કરી શકો છો? એવો પ્રેમી કે એવી પ્રેમિકા જે આજે સાથે નથી એને તમે માફ કરી શક્યા છો? એવો દોસ્ત જેનાથી ક્યારેક કોઈ નાની ભૂલ, થોડીક છેતરપિંડી કે એકાદ દગો થઈ ગયો છે એને તમે અપનાવી શકો છો? એક-બે સાથે કામ કરતી વ્યક્તિ, જેની સાથે કોઈ મુદ્દે ચડભડ થઈ ગઈ હોય એનું જતું કરી શકો છો? એવા ભાઈ કે બહેન, જે કોઈ સમયે કોઈ કારણસર આપણી સાથે હાજર રહી નથી શક્યા એને 'હશે' કહીને પાછા બોલાવી શકો છો? જો ના,તો તમે કંઈક ગુમાવી રહ્યા છો.
માફ તો કરી જુઓ, એના જેવી ઉદારતા બીજા કશામાં નથી. માણસ દાનવીર થઈ શકે છે. પણ માફવીર થઈ શકતો નથી. જે માફવીર છે એ મહાવીર જ છે. ઘણી વખત તો આપણી વ્યક્તિએ આપણને માફ કરી દેવો હોય છે પણ આપણે જ માફી માગતા હોતા નથી. ક્યારેક ડર હોય છે કે આપણને માફી નહીં મળે અને ક્યારેક એવું લાગે છે કે હું શા માટે માફી માગું ? મેં ક્યાં કોઈ ભૂલ કરી છે ? એક દોરો ન તોડીએ તો એ ધીમે ધીમે દોરડું બની જાય છે. માફી માંગી લેવાથી કોઈ નીચું થઈ જતું નથી, માફી માગીને તો માણસ વધુ ટટ્ટાર થાય છે. માફી માગી લેવાથી માણસ હળવો થઈ જાય છે. આપવી ન આપવી એ તમે ચિંતા ન કરો. એ બીજા પર છોડો.
આપણે આપણને જે યોગ્ય લાગે એ કરવાનું હોય છે. કેવું છે, કોઈ વ્યક્તિ આપણને સતત યાદ આવતી હોય છે, કોઈને સતત નજીક લાવવાની કે એની નજીક જવાની આપણને ઇચ્છા થતી હોય છે, આપણે કોઈને સતત ઝંખતા હોઈએ છીએ પણ એને નજીક આવવા દેવા કે એની નજીક જવા માટે દરવાજો ખોલતા નથી. કેટલાંક પહાડોને ઓગળવું હોય છે પણ એને તક તો આપો. કેટલાક ભ્રમ આપણે ધારતા હોઈએ એટલા મોટા કે બિહામણાં હોતા નથી. બસ 'સોરી' કહેવાની જ વાર હોય છે. અને કોઈ સોરી કહે ત્યારે જરાયે મોડું ન કરતાં, કારણ કે માફ કરવાની તક પણ વારંવાર મળતી નથી.
જિંદગીમાં એટલું 'ભારે' કશું જ નથી હોતું જે હળવું ન થઈ શકે. આપણે બસ થોડુંક જતું કરવાનું હોય છે. તમને પ્રેમ કરવાવાળા તમારાથી ડરવા ન જોઈએ. તમે તમારી વ્યક્તિની ભૂલ કેટલી માફ કરી શકો છો તેના પરથી જ નક્કી થતું હોય છે કે તમે તેને કેટલો પ્રેમ કરો છો. તમે ઇચ્છતા હોવ કે તમારી વ્યક્તિ કંઈ જ છાનુંછપનું કે ખાનગી ન કરે તો એ તમારી સામે એ કરી શકે અને તમને ખુલ્લા દિલે એ કહી શકે એટલી હળવાશ આપો. કોઈને પોતાની વ્યક્તિનું દિલ દુભાવવું હોતું નથી. કોઈને દૂર જવું હોતું નથી. અસ્વીકાર જ અભાવ સર્જતો હોય છે. મહાન માણસ જ માફી માગી કે માફી આપી શકે છે. કાયરોનું એ કામ નથી. એક વાર કહી તો જુઓ કે આઈ એમ સોરી.
એટલું મોડું શેમાંય ન કરો કે જિંદગીભરનો અફસોસ રહી જાય. ન તો માફી માંગવામાં, ન તો માફી આપવામાં.
છેલ્લો સીન:
જે ગાંઠ છૂટી શકે તેવી હોય તેને કાપવી નહીં. - અજ્ઞાત
વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઈ ગયાં, સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો.
એ મુજને રડતો જોઈ ખુદ પણ રડી પડયા, મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.
- બરકત વિરાણી 'બેફામ'